રાણી દુર્ગાવતીનું ગોંડવાણાનું યુદ્ધ | (ઈ.સ. ૧૫૬૪) | Rani Durgawati Gondwana Yuddh
મધ્યપ્રદેશનો ઉત્તરીભાગ ગોંડવાણાનો કહેવાય છે. ત્યાં રાણી દુર્ગાવતી રાજ્ય કરતી હતી. તેનો પુત્ર વીરનારાયણ અલ્પવયસ્ક હોવાથી તે (રાણી) કુશળતા તથા વીરતાપૂર્વક રાજ્ય કરી રહી હતી. તે ચંદલવંશી હતી. તેણે માળવાના બાજબહાદુર તથા મિયાણાઓ સાથે ભારે કુશળતાથી યુદ્ધો કર્યાં હતાં તથા સફળ રહી હતી. તેની પાસે વીસ હજારનું અશ્ર્વદળ તથા એક હજારનું ગજદળ હતું. તેણે અનેક વિજયો મેળવ્યા હોવાથી ઘણા રાજાઓના ખજાના તેની પાસે આવ્યા હતા. તે તીર તથા બંદૂકનાં નિશાન લેવામાં નિપુણ હતી. તેને શિકારનો ભારે શોખ હતો. તેણે પ્રજા માટે પણ ઘણાં સારાં કાર્યો કર્યાં હતાં. પણ અકબરની માન્યતા હતી કે બાદશાહે પોતાની સેનાને કદી નવરી બેસવા દેવી નહિ, પાડોશીઓને તાબે કરીને સતત રાજ્યોને આધીન ના કરે તો તેઓ શક્તિશાળી બનીને શત્રુ બની જતા હોય છે. માટે સતત રાજ્યવિસ્તાર કરતા જ રહેવું જોઈએ. આવી નીતિના કારણે અકબરે કડાના રાજ્યપાલ આસફખાંને ગોંડવાણાના ઉપર ચડાઈ કરવાનો હુકમ આપ્યો.
ગોંડવાણાના ઉપર ચડાઈ કરવામાં ત્યાંનો લખલૂંટ ખજાનો પણ કારણ હતું. આસખાં વિશાળ સેના લઈને ગોંડવાના ઉપર ચડી આવ્યો. રાણી દુર્ગાવતીએ ભારે હિમ્મતથી સામનો કર્યો. તે પોતે એક વિશાળકાય હાથી ઉપર બેસીને સ્વયં યુદ્ધ કરતી હતી. તેનો પુત્ર રાજા વીરનારાયણ પણ યુદ્ધમાં આગળ હતો. ઘણા અફઘાન સરદારો પણ રાણીને સાથ આપવા આવ્યા હતા. સૌએ મળીને મોગલ સેનાના છક્કા છોડાવવા માંડ્યા. પણ એવામાં વી૨નારાયણ ઘાયલ થઈ જવાથી તેને યુદ્ધસ્થળથી દૂર લઈ જવામાં આવ્યો. વીરનારાયણની ગેરહાજરીથી તેની સેના પણ ભાગવા લાગી. ઘણા સૈનિકો ભાગી ગયા, પણ રાણી ખસી નહિ. પોતાના વિશ્ર્વાસુ સૈનિકો સાથે તે હિમ્મતપૂર્વક યુદ્ધ કરતી રહી. એવામાં રાણીને એક તીર વાગ્યું પણ તરત જ તેણે તેને કાઢીને ફેંકી દીધું. એવામાં બીજું તીર તેના ગળામાં પેસી ગયું. રાણીએ તેને પણ ખેંચી કાઢી ફેંકી દીધું. તેણે જોયું કે હવે જીતી શકાય તેમ નથી તેમ બચી શકાય તેમ પણ નથી, જો પકડાઈ જવાય તો મોગલો તેની દુર્દશા કરે તેવો ભય હતો. તેથી રાણીએ પોતે જ પોતાની કટાર પોતાના કાળજામાં ખોસી દીધી. રાણીને જીવતાં તથા મરતાં પણ આવડ્યું.
- ચૈતન્યા જ્યોતિ