14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને ઉત્તરાયણ એટલે આકાશનું રંગબેરંગી પતંગોથી રંગાઈ જવું, વાતાવરણનું ‘કપાયો છે’..., ‘કાપ્યો છે’ .... ‘લપેટ’...ની બૂમોથી ભરાઈ જવું. એમાંય વળી ઊંધિયું, જલેબી, ચીક્કીની મિજબાની અને ઢીંચાક ઢીંચાવાળું મ્યુઝિકમય સંગીત... ખાવું, પીવું ને મોજમસ્તી... બસ! ઉત્તરાયણ આવી ગઈ છે અને એ બહાને ઉત્તરાયણ, પતંગ, ઊંધિયું, જલેબી, મ્યુઝિક, તકેદારીની વાતો કરવાનું ટાણું પણ આવી ગયું છે. તો હાલો ત્યારે શબ્દોની દોરી વડે ઉત્તરાયણનો પતંગ ચગાવીએ અને માંડીએ ઉત્તરાયણપુરાણ...
ઉત્તરાયણ એટલે... મકરસંક્રાંતિ...
ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તર તરફનું પ્રમાણ. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ...
સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે. આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે.
ઉત્તરાયણનો પર્યાય એટલે પતંગ...
ગુજરાત આખું આ દિવસે પતંગ ચગાવી આ પર્વને ઊજવે છે. ગુજરાત સરકાર તો આ સમયે પાંચ-પાંચ દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઊજવે છે. દેશ-વિદેશના પતંગરસિયાઓ આ પાંચ દિવસ ગુજરાતમાં આવી જાય છે. આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે...
એન્સાઇક્લોપીડિયાનું સાચું માનીએ તો પતંગની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થયેલી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવાતો.
આ ઉપરાંત સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં બનાવાયો હોવાનો ઉલ્લેખ પણ નેટજગત પર જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પતંગ ઉડાવવાનો પુરાવો ઈ.સ. 1500માં મોગલકાળ દરમિયાન એક ચિત્રમાં જોવા મળ્યો છે.
આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે. પતંગ આજે ભલે મોજ-શોખ માટે ચગાવવામાં આવતો હોય પણ તેની શોધ આ માટે થઈ નથી. પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે. તેનો ઉપયોગ પહેલાં હંમેશાં કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે. પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે...
પતંગનો આવો ઉપયોગ?... ના હોય!
# અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.
# છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
# સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
# 1984માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.
# ઈ.સ. 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણાતામાન નોંધવાની કોશિશ કરી હતી.
# 1907માં ગ્રેહામ બેલે 50 ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
# ઈ.સ. 1800ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.
# એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે.
# વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ર્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે.
# ઈ.સ. 900માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. એવું કહેવાય છે કે આનાથી દુશ્મનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેનો લાભ પણ સેનાપતિઓને મળ્યો હતો.
# ઈ.સ. 1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
# એક અમેરિકને 1810માં 24 હજાર ફૂટ ઊંચે આકાશમાં પતંગ ચગાવી બતાવ્યો હતો અને તેના પરથી એક વિજ્ઞાનિક સંશોધન કરી ઉપયોગી તારણો કાઢ્યાં હતાં.
# વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી ઇંગ્લિશ ચેનલ પાર પણ કરી હતી.
# પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવ્યો હતો.
# ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો.
# ચીનના તીઆન જિલ નામના એક પતંગ ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે.
વિવિધ રીતે ઊજવાતી ઉત્તરાયણ...
ગુજરાતમાં આપણે પતંગ ચગાવી, ઊંધિયું-જલેબી, તલપાપડીની મજા માણી આ પર્વ ઊજવીએ છીએ. તમિલનાડુમાં મકરસંક્રાંતિને પોંગલના રૂપમાં લોકો ઊજવે છે. સૌર પંચાગ અનુસાર આ તહેવાર પહેલી જાન્યુઆરીએ આવે છે. પોંગલ ખેડૂતોનો તહેવાર છે. ત્રણ દિવસના આ તહેવારમાં ખેડૂતો પહેલા દિવસે કચરો ભેગો કરી સળગાવે છે. બીજા દિવસે લક્ષ્મીની પૂજા કરે છે અને ત્રીજા દિવસે પશુધનની પૂજા કરે છે. શીખ પરિવારો આ પર્વને લોહડી તરીકે ઊજવે છે. 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવાર ઉત્સાહપૂર્વક આ પર્વ મનાવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. આ દિવસે દાન આપવાનું વિશેષ મહત્ત્વ હોય છે તેથી દાન પણ કરવામાં આવે છે. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં લોહડી, બિહારમાં સંક્રાંતિ, આસામમાં ભોગાલી બિદુ તરીકે આ ઉત્સવ ઊજવાય છે. ભારતની બહાર જઈએ તો નેપાળમાં થારૂ લોકો આ દિવસે ‘માધી’ ઉત્સવ મનાવે છે. જેને માધ સંક્રાંતિ પણ કહેવાય છે. થાઇલેન્ડમાં સોંગ્ક્રાન, લાઓસમાં પિ મા લાઓ તથા મ્યાનમારમાં થિંગયાન તરીકે આ ઉત્સવ ઊજવાય છે.
14 જાન્યુઆરીએ જ કેમ...?
ઉત્તરાયણને 14 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે? બધા તહેવારની તારીખ બદલાય છે પણ ઉત્તરાયણ તો 14 જાન્યુઆરીએ જ મનાવાય છે. પણ આશ્ર્ચર્યની વાત તો એ છે કે 1976માં ઉત્તરાયણ 14મીને બદલે 15મી જાન્યુઆરીએ આવી હતી. આવું થવાનું કારણ એ હતું કે લગભગ 70થી 72 વર્ષમાં એક તારીખનું પરિવર્તન થાય છે અને આજથી કેટલાંય વર્ષો પહેલાં આ તહેવાર અનુક્રમે 13, 12, 11 જાન્યુઆરીએ ઊજવાયો છે. વાર્ષિક ભ્રમણમાં પૃથ્વી વર્ષે એક અંશ ચાલે છે. જેમ જેમ તેનું અંતર વધતું જશે તેમ તેમ મકરસંક્રાંતિ 15, 16, 17... જાન્યુઆરીએ પણ આવશે...
પર્વની મજા સાથે થોડી સાવધાની...
પતંગ ચગાવવા ધાબા પરથી પડી જવું, પતંગ લૂટતાં અકસ્માત થવો, ચાઇનીઝ દોરીના કારણે ગળું કપાઈ જવું, પતંગ કાપ્યો ને કપાયોમાં તકરાર થવી. આ બધું હવે ઉત્તરાયણના પર્વમાં સામાન્ય થઈ ગયું છે. આ બધું ન થાય તે માટે આપણે જોશ, જુસ્સા, ઉત્સાહની સાથે થોડી સાવધાની પણ રાખવી જોઈએ. ઉત્તરાયણના કારણે સૌથી વધુ નુકસાન થતું હોય તો તે પક્ષીઓને થાય છે. કાચવાળી કે ચાઇનીઝ દોરી આકાશમાં ઊડતાં પક્ષીઓની પાંખ કાપી નાખે છે. પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામનારાં પક્ષીઓની સંખ્યા ખૂબ મોટી છે. સમડી, ગીધ જેવાં દુર્લભ ગણાતાં પક્ષીઓ પણ પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામે છે. આ દિવસે ઘવાયેલાં પક્ષીઓની સારવાર કરવા અનેક જીવદયાપ્રેમીઓ કામે લાગી જાય છે. આપણે પણ આપણા દોરાથી કોઈ પક્ષી ન કપાય તેની સાવધાની રાખવી જોઈએ.
અને છેલ્લે...
આટલું વાંચ્યા પછી જરૂર એવું લાગે કે પતંગ એ કંઈ માત્ર શોખ ખાતર ઉડાવવાની વસ્તુ નથી. તેનો ઇતિહાસ હંમેશાં માનવવિકાસની સગવડો વધારવાનો, તેને મદદ કરવાનો પુરાવો આપતો રહ્યો છે. આજે આપણે પતંગમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે. પતંગ કહે છે કે જીવનમાં બેલેન્સ બરાબર હોય તો જ ઊંચી ઉડાન ભરી શકાય. તો આવો! આ ઉત્તરાયણે ઊંચી ઉડાનના સપ્ના સાથે આપણે સૌ પતંગમાંથી પ્રેરણા લઈ ઉત્સાહપૂર્વક મકરસંક્રાંતિ મનાવીએ... હેપ્પી ઉત્તરાયણ...
- હિતેશ સોંડગર